આ ગરમાળાનું વૃક્ષ ૨૦ થી ૩૦ ફૂટ ઊંચું થાય છે . તેના પાન જાંબુના પાન જેવા જ લાંબા અંડાકાર અને સામસામાં લાંબી સળી પર હોય છે . આ ગરમાળાના વૃક્ષને વૈશાખ – જેઠ માસમાં સુવર્ણ રંગના પુષ્પો આવે છે . પુષ્પો એટલા બધા આવે છે કે સમગ્ર વૃક્ષે જાણે પીળું ચમકતું પીતાંબર ઓઢ્યું હોય . પરંતુ આશ્ચર્ય તો જુઓ કે , આવા દેદિપ્યમાન અને ભવ્ય વૃક્ષના ફૂલોમાં સુગંધ હોતી નથી . જેઠ માસ ઉતરતા એના પુષ્પો ખરવા લાગે છે અને વર્ષાઋતુમાં તેને પાતળી લીલા રંગની એકથી દોઢ ફૂટ જેટલી લાંબી શીંગો થાય છે . ધીમે ધીમે આ શિંગો અંગૂઠા જેટલી જાડી થયા પછી પક્વ બનતા તેનો લીલો રંગ ધીમે ધીમે રતાશ પડતો કથ્થઈ થાય છે . આ શિંગો સુકાઈ ગયા પછી તેને હલાવવાથી ઘુઘરાની જેમ અંદર એના બીજ ખખડે છે .

આ શીંગમાં મણકાની જેમ થોડા થોડા અંતરે બીજના પાતળા પડ વચ્ચે કાળો , ચીકણો એક વિશિષ્ટ ગંધવાળો ગર એટલે કે ગોળ હોય છે . જે સ્વાદમાં મધુર હોય છે . ગરમાળો રસમાં મધુર , પચ્યા પછી કડવો , શીતળ , પચવામાં ભારે , સ્નિગ્ધ ( ચીકણો ) , દીપન એટલે કે જઠરાગ્નિને વધારનાર તથા જવર , બળતરા , હૃદયરોગ , આફરો , ગેસ , કૃમિ , મંદાગ્નિ , પ્રમેહ , ખંજવાળ , રક્તપિત્ત કાફોદર , પિત્તના રોગો , કબજિયાત અને કોઢ મટાડે છે .

જેમને અવાર નવાર કાકડા પાકી જતા હોય અને આ તકલીફથી પાણી પણ પી શક્તા હોય તો ગરમાળાની છાલનો એક ચમચી ભૂક્કો કરીને તેનો ઉકાળો બનાવી દિવસમાં ત્રણ ચાર પીવામાં આવે તો કાકડા શાંત થઈ જાય છે .

ગરમાળાના પંચાંગ ( મૂળ , છાલ , પાંદડા , ફળ અને ફૂલ ) નો ભૂક્કો કરી બરણી ભરી રાખો . પંચાંગમાં દરેક અંગ સરખા વજને લઈ અધકચરો ભૂક્કો કરવો . એકથી દોઢ ચમચી જેટલો આ ભૂક્કો ચાર કપ જેટલા પાણીમાં નાંખી ઉકાળવો . ઉકળતા ઉકળતા જ્યારે અડધા કપ જેટલું દ્રવ બાકી રહે ત્યારે તેને ઉતારીને પી જવું . સવારે અને રાત્રે આ ઉકાળો તાજો બનાવીને પીવાથી ચામડીના અઢાર પ્રકારના કોઢ , ખસ , ખરજવું , દાદર વગેરે મટે છે .

ગરમાળાના ફૂલોમાંથી બનાવેલો ગુલકંદ એકથી બે ચમચી આપવાથી ગર્ભિણીની કબજીયાત કોઈ તકલીફ વિના માટે છે . કમળાની અને લીવરના રોગોની કબજિયાત તોડવા માટે ગરમાળાની શીંગનો ગોળ (ગર ) સ્વાદિષ્ટ હોવાથી શેરડીના રસમાં નાંખી આપવામાં આવે છે . આમ ગરમાળો મૃદુ વિરેચક ઔષધ હોવાથી અનેક રોગોમાં પ્રયોજાય છે .

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *