આપણે ત્યાં વિજયાદશમી એટલે કે દશેરાના દિવસે ‘ શમીપૂજન ’ કરવાનો પ્રચાર છે . આ શમી વૃક્ષ એ આપણો ખીજડો , ઘણા લોકો એને સમડી પણ કહે છે . હવન – યજ્ઞમાં ખીજડાનું લાકડું પવિત્ર સમિધ તરીકે વપરાય છે . એટલે કે તેના વૃક્ષને આપણે ત્યાં ખૂબ જ પૂજનીય અને પવિત્ર માનવામાં આવે છે . પવિત્ર ને પૂજનીય વૃક્ષ હોવાની સાથે ખીજડો ઔષધીય ગુણોનો ભંડાર પણ છે .

આયુર્વેદ પ્રમાણે આ ખીજડો સ્વાદમાં તૂરો , તીખો , કડવો અને મધુર , પચવામાં હળવો , રુચિકર , કફ પિત્તશામક તેમજ ત્વચાના રોગો , મગજની નબળાઈ , હરસ – મસા , દમ , ઉધરસ , અરુચિ , ઝાડા , મરડો , થાક અને રક્તસ્રાવને મટાડનાર છે . ફૂલોમાંથી પેટયુલિનિ નામનું એક ફ્લેવોન ગ્લાઈકોસાઈડ મળી આવે છે . તેમજ પાનમાં નાઈટ્રોજન , ફોસ્ફરસ , કેલ્શિયમ વગેરે તત્ત્વો રહેલાં હોય છે .

ઉપયોગો

જેમને વારંવાર કસુવાવડ થઈ જતી હોય તે સ્ત્રીઓ માટે ખીજડાનું વૃક્ષ આશીર્વાદસમાન છે . આવી તકલીફ હોય તે સ્ત્રીઓને રોજ ખીજડાનાં ફૂલનું શરબત બનાવીને ગર્ભાવસ્થાની શરૂઆતથી ત્રીજા મહિના સુધી આપતા રહેવાથી કસુવાવડનો ભય રહેતો નથી . ખીજડાનાં ફૂલ બરાબર સ્વચ્છ કરી , સમભાગ સાકર સાથે વાટી , તેનું શરબત બનાવીને પીવા આપવું .

ખીજડો ચામડીના રોગોનું ઉત્તમ ઔષધ છે . જૂના ખરજવામાં ઔષધ તરીકે તેનાં પાન ખૂબ જ સારું પરિણામ આપે છે . ખીજડાનાં તાજાં પાન તોડી લાવી , ધોઈને બરાબર સ્વચ્છ કરી લેવાં . દહીં સાથે આ પાન વાટીને લેપ તૈયાર કરી લેવો . સવાર – સાંજ આ લેપ ખરજવા પર લગાવી એક કલાક રહેવા દેવો . આ ઉપચાર કરવાથી થોડા દિવસમાં જૂનું – હઠીલું ખરજવું પણ મટી જાય છે .

ખીજડાનાં પાન અતિસાર – ઝાડાને પણ મટાડે છે . ખીજડાનાં પાન , તેની અંતરછાલ અને મરી સરખા વજને લાવી , ખાંડી તેનું ચૂર્ણ બનાવી લેવું . ઝાડા થયા હોય તેમને સવાર – સાંજ અડધી ચમચી જેટલું આ ચૂર્ણ પાણી સાથે આપવું . ઝાડામાં અવશ્ય લાભ થશે .

જેમને અવારનવાર ગૂમડાં થતાં હોય અને જલદી પાકતા ન હોઇ તેમણે ખિજડા ની જુની શીંગોને વાટી તેનો લેપ બનાવી , ગૂમડા પર તેની લોપરી બાંધવી . એક દિવસમાં જ ગૂમડું પાકીને ફૂટી જશે અને ફરીથી ચિકિત્સકની સલાહ લેવી .

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *