આપણા રોજિંદા આહારમાં શેરડીનું સ્થાન ઘણું મહત્ત્વનું છે . શેરડી આપણા આહાર માટે જરૂરી ગળપણનો સ્ત્રોત છે . ગોળ , ખાંડ , સાકર વગેરે બધાજ ગળ્યા પદાર્થો શેરડીના રસમાંથી બનાવાય છે અને આ ગળ્યા પદાર્થોમાંથી મીઠાઈ , શરબત , ચોકલેટ , આઈસક્રીમ વગેરે હજારો ખાવાપીવાની ચીજો તૈયાર થાય છે . આ વખતે આ જીવનજરૂરી અને શક્તિદાયક આહાર અને ઔષધ “ શેરડી ’ વિશે કંઈક જાણીએ .

આયુર્વેદ પ્રમાણે શેરડી મધુર , ઠંડી , રુચિકર , પચવામાં ભારે , કફ કરનાર , મૂત્રને વધારનાર , બળકર , પુષ્ટિકર તેમજ પિત્ત , બળતરા અને થાકને દૂર કરનાર છે . દાંતથી ચૂસેલી શેરડીનો રસ પિત્ત તથા રક્તના વિકારોને દૂર કરનાર , દાહશામક , કફ કર્તા અને શક્તિપ્રદ છે .

કાચી , અર્ધપાકી , પાકી અને વધારે પાકેલી ( ઘરડી ) એમ અવસ્થાના આધારે પણ શેરડીના ગુણોમાં ફરક પડે છે . કાચી શેરડી કફ , મેદ અને પ્રમેહ ઉત્પન્ન કરનાર છે . અર્ધપક્વ શેરડી મધુર , થોડી તીક્ષ્ણ તેમજ વાયુ તથા પિત્તને હરનાર છે . ઘરડી શેરડી બળ – વીર્યવર્ધક તથા રક્તસ્ત્રાવ અને ક્ષય રોગને મટાડે છે .

ઉપયોગો

શેરડી કમળાનું શ્રેષ્ઠ ઔષધ છે . જેમને કમળો થયો હોય તેમણે ધીમેધીમે ચૂસીને મીઠી હોય એવી શેરડી ખાવી . કમળામાં ફાયદો થશે . શેરડી મૂત્રલ અર્થાત્ મૂત્રનું પ્રમાણ વધારનાર છે . એટલે જેમને મૂત્રની છૂટ ન રહેતી હોય તેમના માટે પણ શેરડીનો રસ ઉપયોગી છે , જેમને થોડા શ્રમથી થાક લાગતો હોય તેમના માટે શેરડી સારી છે . શેરડીનો રસ ચૂસવાથી થાક દૂર થાય છે . હાથ – પગનાં તળિયાંની બળતરા , આંખોની બળતરા અને આખા શરીરમાં થતા દાહ – બળતરા માટે પણ શેરડી અત્યંત સારી છે . સુવાવડી સ્ત્રીઓને જો ધાવણ ઓછું આવતું હોય તેમને કોપરું ખવરાવી સાથે રુચિ અનુસાર થોડી શેરડી ચૂસવા આપવી .

યાદ રાખશો કે કમળાનું ઔષધ શેરડીનો રસ , જો અશુદ્ધ હોય તો કમળો થવાનું કારણ બને છે . એટલે કે જેમને કમળો નથી તેમને થઈ શકે છે . મરડો , ટાઈફોઈડ જેવી પેટની બીજી પણ અનેક બીમારી તેનાથી થઈ શકે છે . બજારનો શેરડીનો રસ હિતાવહ નથી . શેરડી ઘરે લાવી , સારી રીતે ધોઈ , ચૂસીને ખાવી જોઈએ . શેરડી મધુર , ઠંડી , ચીકણી અને પચવામાં ભારે હોવાથી ડાયાબિટીસ , ચામડીના રોગ , તાવ , શરદી , મંદાગ્નિ વગેરેમાં હિતકારી નથી . જમ્યા પહેલાં ખાવાથી શેરડી પિત્તનો નાશ કરે છે , પરંતુ જમ્યા પછી ખાવાથી તે વાયુ અને મંદાગ્નિ કરે છે . હાલ ઘરેઘરે ઉપયોગમાં લેવાતી શેરડીના રસમાંથી બનાવવામાં આવતી રિફાઈન્ડ સુગર સ્વાથ્ય માટે સૌથી ખરાબ ગળપણનો વિકલ્પ છે . રિફાઈન્ડ સુગરના બદલે દેશી ગોળ વાપરવો હિતકારી છે .

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *