આપણે જે હવા શ્વાસમાં લઈએ છીએ તે હવા પારદર્શક હોય છે , તો પણ તે પ્રદૂષિત હોય છે . હવા પ્રદૂષિત હોવાનો મતલબ એ નહીં કે તેમાં માત્ર ધૂળનાં રજકણો હોય છે . બેક્ટરિયા અને વાઇરસ જેવા રોગના સૂક્ષ્મ જંતુઓ પણ તેમાં વિહરતાં હોય છે . આવાં સૂક્ષ્મ જંતુઓ , શ્વાસની આડ લઈ શ્વસનતંત્ર ઉપર આક્રમણ કરે એટલે નાકનાં ફોયણાંના પ્રવેશદ્વારથી માંડી ફેફસાંની સુધીનો કોઈપણ ભાગ રોગની લપેટમાં આવે છે

નાક , ગળું , સ્વરપેટી , શ્વાસનળી , શ્વાસનળીની ડાબીને જમણી બે મુખ્ય શાખાઓ , તેની અસંખ્ય પ્રશાખાઓ અને ફેફસાં , આ થયાં શ્વસનતંત્રનાં અંગો આટલા ભાગો માંથી જે ભાગમાં જંતુ રહે પ્રમાણે , રોગની ઓળખ અને તેની ગંભીરતા નક્કી થાય છે .

નાક અને ગળું રોગગ્રસ્ત બને તો તે સામાન્ય બીમારી ગણાય અને રોગ ગળાથી આગળ વધી શ્વાસનળી અને ફેફસાંમાં જઈ પહોંચેત્યારે દુશ્મન રસોડા સુધી પહોંચી ગયો છે એમ કહેવાય . ફેફસાં પર રોગનાં જંતુઓનું આક્રમણ એટલે ન્યુમોનિયા .

ન્યુમોનિયાનાં લક્ષણો

તાવ : માત્ર ન્યુમોનિયા જ નહીં અન્ય રોગોમાં પણ તાવની હાજરી એટલે રોગની સાબિતી . ખાંસી , હાંફ અને એકાએક ચડી આવતો તાવ ન્યુમોનિયાના રોગને ઉઘાડો પાડે

ખાંસી ઉધરસ: શ્વસનતંત્રના રોગોમાં ખાંસી આવવી મુખ્ય લક્ષણ ગણાય , તો પણ તે દરેકમાં હાજર હોય જ એવું ફરજિયાત નથી . ઉધરસ એ રોગનો હુંકાર છે . એકાએક થઈ આવતી ઉધરસને ગંભીરતાપૂર્વક ગણવી અને એક અઠવાડિયાથી વધુ સમય ટકી રહેલી ઉધરસનીઅવગણના ન કરવી .

દુખાવો :છાતીની એક તરફ કૈ અમુક ભાગમાં દુખાવો થતો હોય તો તે ન્યુમોનિયાનું લક્ષણ દર્શાવે છે . દુખાવો કયા ભાગમાં છે તે ઉપરથી ન્યુમોનિયા સિવાયના શ્વસનતંત્રના અન્ય રોગોનું નિદાન કરી શકાય છે . ઉદાહરણ તરીકે લઈએ તો , થુંક કે ખોરાક ગળતી વખતે થતો દુખાવો ગળાનો કે કાકડાનો ચેપ દર્શાવે છે .

હાફ: તાવથી ધખધખતું અને હાંફતું બાળક એટલે ન્યુમોનિયાનું શિકાર બનેલું બાળક . આવું નિદાન ડૉક્ટર સિવાયની અન્ય વ્યક્તિ કરે તો પણ તે ખોટું નથી . આ સમજ સૂત્ર બની સમાજમાં ફેલાય તો ન્યુમોનિયાના સકંજામાંથી બાળકને બચાવવા માટે તે રેડ સિગ્નલનું કાર્ય કરે . એ ભાગ્યે જ સમજવાની જરૂર હોય કે હાંફતા બાળકના શ્વાસોચ્છવાસ , તંદુરસ્ત બાળકના શ્વાસોચ્છવાસની સરખામણીએ ઝડપથી ચાલતા હોય છે , ધમણની માફક . માતા પિતા અને કુટુંબીજનો જો હાંફતા બાળકના શ્વાસોચ્છવાસનો દર એક મિનિટ દરમિયાન લેવાતો સ્વાસ ) કેટલો છે , તે નક્કી કરી શકે તો ન્યુમોનિયા રોગની ગંભીરતાનો અંદાજ મેળવી શકાય .

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *