કોઈ વ્યક્તિ એવી નથી કે જેને કોઈ તકલીફ ન હોય . ઘણા લોકોને ઇમ્યુનિટી પાવર મજબૂત હોય તો તેમનું શરીર ઓછા રોગનો ભોગ બને છે , જ્યારે ઘણા લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તો તેમનું શરીર વધારે રોગનો ભોગ બનતું હોય છે . વળી દરેકને નાની મોટી કોમન શારીરિક તકલીફ તો સતાવતી જ રહેતી હોય છે . આ કોમન તકલીફની વાત કરીએ એટલે તરત અપચો , ગેસ , એસિડિટી વગેરેનાં નામ તરત મનમાં આવી જાય .

હવેનો સમય એવો છે કે ગેસ , એસિડિટી , અપચાને લોકો બીમારી ગણતા પણ નથી . જે સમયે તે સમસ્યા સર્જાય ત્યારે થોડી પીડા સહન કરીને તે મટી જાય તેની દવા લઇ લેવાતી હોય છે . પણ તેને જડમૂળમાંથી દૂર કરવા જેટલી ચીવટ કોઇ નથી રાખતું . પરિણામે તે સમસ્યાથી બીજા રોગ શરીરમાં આવવા લાગે છે . આ અને આના જેવા કેટલાય રોગનું નિવારણ હરડે દ્વારા કરી શકાય છે . હરડે શરીરને અનેક તકલીફમાંથી મુક્તિ અપાવવાનું કાર્ય કરે છે .

વજન ઘટાડવામાં

હરડે પેટને એકદમ સ્વચ્છ રાખી અને પાચનતંત્રને સુધારે છે . આ સિવાય હરડે શરીરને ડિટોક્સ કરી વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે . વજન ઉતારવા હરડેનું નિયમિત સેવન કરવાથી વજન ઓછું થઇ શકે છે . આ પાચન માટે શયદાકારક હોવાથી ગેસ , એસિડિટી અને સાથે બીજી અનેક સમસ્યાઓથી છુટકારો આપે છે અને ધીરેધીરે તમારા વજનને ઓછું કરવામાં મદદરૂપ થાય છે .

દાંતના દુખાવામાં રાહત

દાંતના દુખાવામાં હરડેનું ચૂર્ણ બનાવીને દાંત પર લગાવવાથી રાહત થશે . એટલું જ નહીં હરડેથી દાંતને લગતી તમામ બીમારીઓમાં રાહત મળશે . હરડેની પેસ્ટ પાતળી છાશમાં ભેગી કરી તેના કોગળા કરવાથી પેઢા પર આવેલો સોજો દૂર થાય છે અને દાંતમાં થયેલા દુખાવામાં પણ રાહત મળે છે .

કબજિયાત દૂર કરનાર

કબજિયાતની સમસ્યાથી હેરાન થતા લોકો માટે હરડે વરદાનસમાન છે . કબજિયાત દૂર કરવા માટે હરડેને મીઠા સાથે ખાઓ . જો તમે તેની સાથે બે લવિંગ અને એક તજને મિક્સ કરીને તેનું સેવન કરશો તો કબજિયાતમાંથી ખૂબ જ જલદી છુટકારો મળશે . મોટા ભાગના લોકો કબજિયાતની બીમારીથી પીડાતા હોય છે . હરડેનું ચૂર્ણ કબજિયાતની સમસ્યામાં ખૂબ જ ફાયદો અપાવે છે .

સ્કિન એલર્જી

જો તમને ત્વચાને લગતી કોઈ પણ એલર્જી હોય તો તેમાં હરડેનો ઉકાળો રામબાણ ઈલાજ છે . આ ઉકાળો બનાવવા માટે હરડેના ફળને પાણીમાં ઉકાળીને ઉકાળો બનાવો તે ઉકાળાનું સેવન નિયમિત બે વખત કરવાથી તમારી સ્કિનને ફાયદો થશે .

આંખોની સમસ્યા

હરડેની પેસ્ટ આંખોની નજીક ધીમેધીમે , હાથ વડે લગાવવામાં આવે તો આંખોની તકલીફ દૂર થાય છે અને તેને ખાવાથી આંખોમાં તેજ પણ વધે છે . તેનાથી આંખમાં થતી બળતરામાં પણ રાહત મળે છે .

અપચાથી છુટકારો

હરડેનું સેવન પાચનક્રિયાને મજબૂત બનાવે છે . ભોજન કર્યા પહેલાં હરડે ચૂર્ણમાં સુંઠ ભેળવીને લેવાથી ભૂખ સારી ખૂલે છે અને ભૂખ લાગવા લાગે છે . તે સાથે જ સુંઠ , ગોળ કે સિંધવ મીઠું ભેળવીને ખાવાથી પાચન સારું થાય છે . જે લોકોને વજન વધારવું હોય તેમના માટે પણ હરડે અકસીર માનવામાં આવે છે . વજન વધારવાની ઇચ્છા રાખતા લોકોએ હરડેને દૂધમાં મિક્સ કરીને તેનું સેવન કરવું જોઇએ .

ચક્કર આવે તો

અચાનક ચક્કરની તકલીફથી તમે પીડાતા હોવ તો કોઇપણ ફ્લેવરની પીપર , આદુ , વરિયાળી , હરડે ૨૫-૨૫ ગ્રામ લો . હવે ૧૫૦ ગ્રામ ગોળમાં આ બધું ભેળવીને ગોળીઓ બનાવી લો . ૧-૨ ગોળી દિવસમાં ૩ વખત લેવાથી ચક્કર આવવાનું અને માથું ભમવાનું બંધ થશે . હરડેનું સેવન નિયમિત કરવાથી શરીરમાં એનર્જી રહે છે . હરડેના ટુકડાને ચાવીને ખાવાથી ભૂખ વધે છે .

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *