આયુર્વેદની મેધ્ય ઔષધીઓમાં ‘ બાહ્મી’ની આ ગણતરી થાય છે.બાહ્મીના આ મેધ્ય ગુણને લીધે તે બુદ્ધિ અને યાદશક્તિવર્ધક આયુર્વેદીય ઔષધોમાં પુષ્કળ વપરાય છે . સાથે સાથે વિવિધ કેશતેલની બનાવટમાં પણ તેનો ખાસ ઉપયોગ થાય છે .

ગુણધર્મો

બ્રાહ્મીની એકવર્ષાયુ વેલ આપણે ત્યાં ખૂબ થાય છે . આ વેલને ભેજવાળી જમીન માફક આવતી હોવાથી જળાશયના કિનારે કે જળપ્રધાન ભૂમિમાં તે દૂર દૂર સુધી પ્રસરે છે . તેનાં પાન ગોળ અને વાલના દાણા જેવા આકારનાં હોય છે . ઔષધ તરીકે બ્રાહ્મીના રસ અને ચૂર્ણનો ઉપયોગ થાય છે . આયુર્વેદ પ્રમાણે બ્રાહ્મી કડવી , મધુર અને તૂરી , શીતળ , બળપ્રદ , મેધા અને યાદશક્તિવર્ધક , ભૂખ લગાડનાર અને પચવામાં હળવી , રસાયન , વય : સ્થાપન , હૃદયને હિતકારી , ધાવણવર્ધક તથા ત્રિદોષશામક છે . તે વાઈ , ફેફરું , ગાંડપણ , મગજની અશક્તિ , અનિદ્રા , ઝાડા , મંદાગ્નિ , સોજા વગેરેને મટાડે છે .

રાસાયણિક દૃષ્ટિએ બ્રાહ્મીમાં હાઈડ્રોકોટિલીન નામનું ક્ષારીય તત્ત્વ , એશિયાટિકોસાઈડ નામનું ગ્લાઇકોસાઈડ તથા વેલેરિન , બ્રાહ્મોસાઈડ , બ્રાહ્મિનોસાઈડ , બાહ્મિક એસિડ , ટેનિન વગેરે તત્ત્વો રહેલાં હોય છે .

ઉપયોગ

બ્રાહ્મી સમગ્ર જ્ઞાનતંત્રને સચેત કરવાની સાથે તેમના પોષણની ક્રિયાને પણ વ્યવસ્થિત કરે છે . એટલે મસ્તિષ્કની નબળાઈને લીધે ઉત્પન્ન થતા વાઈ ( એપિલેપ્સી ) અને ગાંડપણ જેવા રોગોમાં તે ઉત્તમ પરિણામ આપે છે . બાહ્મીનાં પાનનો રસ કાઢી , સવાર – સાંજ બેથી ચાર ચમચી જેટલા રસમાં , થોડી સાકર મેળવીને આપવાથી આ બંને તકલીફોમાં ફાયદો થાય છે . મગજની નબળાઈ જો વધારે પ્રમાણમાં હોય તો તેના માટે આ પ્રમાણે ઉપચાર કરવો જોઈએ .

બ્રાહ્મી તથા શંખપુષ્પી સરખા વજને લાવી , ખાંડીને ચૂર્ણ બનાવી લેવું . અડધી ચમચી જેટલું આ ચૂર્ણ , ૨ નંગ બદામ અને થોડા એલચીના દાણા સાથે વાટી , દૂધમાં મેળવી , થોડી સાકર ઉમેરીને રોજ રાત્રે પી જવું . આ ઉપચારથી થોડા સમયમાં મસ્તિષ્કની અશક્તિ – નબળાઈ દૂર થાય છે . તેમજ બાળકોની યાદશક્તિ અને એકાગ્રતા વધે છે . પરીક્ષા સમયે બાળકો માટે આ ઉપચાર લાભદાયી છે .

બ્રાહ્મી હૃદય માટે હિતકારી છે . હૃદયની ગતિને તે નિયંત્રિત કરે છે અને હૃદયની વિભિન્ન વિકૃતિઓમાં સારું પરિણામ પણ આપે છે . બ્રાહ્મી , અર્જુનછાલ , સર્પગંધા , ગળો , આમળા અને અશ્વગંધા સરખા વજને લઈ તેનું ચૂર્ણ બનાવી રાખવું . અડધી ચમચી જેટલું આ ચૂર્ણ સવાર સાંજ દૂધમાં મેળવીને નિયમિત થોડો સમય લેવાથી હાઈ બ્લડપ્રેશર અને હૃદયના ધબકારા વધી જતા હોય તેમાં લાભ થાય છે .

બાહ્મી અનિદ્રાનું ઉમદા ઔષધ છે . રાત્રે બરાબર ઊંઘ ન આવતી હોય તેમણે બ્રાહ્મી , શંખપુષ્પી , વજ એને પીપરીમૂળ ( ગંઠોડા ) સરખા વજને લાવી ચૂર્ણ બનાવી લેવું . એક ચમચી જેટલું આ ચૂર્ણ રોજ રાત્રે સાકરવાળા દૂધમાં મેળવીને પીવાથી અનિદ્રાની તકલીફ દૂર થાય છે .

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *