આયુર્વેદમાં બાળકોને થતા રોગો માટે ઘણાં ઔષધોનું વર્ણન કરવામાં આવ્યું છે . જેમાં વેદોનું પ્રિય ઔષધ છે , વાવડિંગ . આ વાવડિંગ એ બાળકોના બીજા રોગો મટાડવાની સાથે પેટ – આંતરડાંના કૃમિઓ કરમિયાનો નાશ કરનાર ઉત્તમ ઔષધ છે અને એટલે તેને “ કૃમિદન ’ પણ કહેવામાં આવે છે .

આયુર્વેદ પ્રમાણે આ વાવડિંગ સ્વાદમાં તીખા અને તૂરા , તીક્ષ્ણ , ગરમ , પચવામાં હળવા , જઠરાગ્નિ પ્રદીપ્ત કરનાર , આહારનું પાચન કરનાર , રુચિકર્તા , કફ અને વાયુનો નાશ કરનાર , મળને સરકાવનાર , ઉત્તમ કૃમિન , રક્તશુદ્ધિકર અને હૃદયને બળ આપનાર છે . તે અરુચિ , અગ્નિમાંદ્ય , અજીર્ણ , કૃમિ , દમ , ઉધરસ , હૃદયરોગ , કબજિયાત , કૃમિ તથા મેદનો નાશ કરનાર છે . ઉપયોગો બાળકોના પ્રાયઃ બધા રોગોનું વાવડિંગ ઉત્તમ ઔષધ છે . પેટનો દુખાવો , વાયુ , અપચો , અગ્નિમાંદ્ય વગેરે વિકારોમાં નિત્ય વાવડિંગના પાંચ – છ દાણા ગાયના દૂધમાં ઉકાળી , ગાળીને એ દૂધ પીવડાવવાથી બાળકોના બધા વિકારો દૂર થાય છે અને બાળક સ્વસ્થ રહે છે .

પેટના લગભગ બધા જ પ્રકારના કૃમિનું તે અકસીર ઔષધ છે . નાનાં બાળકો કે વયસ્કોને જો પેટમાં કૃમિ હોય અથવા વારંવાર થઈ જતા હોય તો તેમને વાવડિંગનું અડધી ચમચી જેટલું ચૂર્ણ સવાર સાંજ થોડા દિવસ આપવું . કૃમિઓ નષ્ટ થંઈ જશે . વાવડિંગ કફના વિકારોમાં પણ ફાયદાકારક છે . નાનાં બાળકોને જો શરદી , ઉધરસ , દમ , સસણી વગેરે થયા કરતા હોય તો તેમને વાવડિંગ , અતિવિષની કળી ,કાકડાશીંગી અને લીંડીપીપર સરખા ભાગે લઈ , ચૂર્ણ બનાવી , અડધી ચમચી જેટલું ચૂર્ણ મધ સાથે સવાર – સાંજ ચટાડવું .

ભૂખ લગાડનાર અને આહારનું યોગ્ય પાચન કરાવનાર હોવાથી વાવડિંગ પાચનસંબંધી વિકારોમાં પણ લાભકારી છે . અજીર્ણ , ઝાડા , સંગ્રહણી જેવા વિકારોમાં વાવડિંગ , સૂંઠ , ધાણા , જીરું અને કડાછાલ સરખા ભાગે લઈ એક સાથે ખાંડી અધકચરો ભુક્કો કરી , બે ચમચી જેટલા આ ભુક્કાનો ઉકાળો કરી સવાર – સાંજ પીવો . પેટની આ બધી તકલીફોમાં ફાયદો થવા લાગશે .

કબજિયાતમાં પણ વાવડિંગ શ્રેષ્ઠ પરિણામ આપે છે . વાવડિંગ અને અજમાનું સરખા ભાગે બનાવેલું ચૂર્ણ અડધીથી એક ચમચી જેટલું રોજ રાત્રે સૂતી વખતે ગરમ પાણી સાથે લેવાથી સવારે પેટ સાફ આવે છે અને મળશુદ્ધિ થાય છે .

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *