પવિત્ર વૃક્ષ હોવાની સાથે બીલી આરોગ્યની દૃષ્ટિએ એટલું જ ઉત્તમ ઔષધ છે . આયુર્વેદમાં તેના ઔષધીય ગુણકર્મો વિશે ચર્ચા કરવામાં આવી છે .
ગુણધર્મો :બીલીનાં ૧૫ થી ૨૫ ફૂટ ઊંચાં ઝાડ ભારતમાં સર્વત્ર થાય છે . તેનું થડ ભૂરા રંગનું , શાખાઓવાળું અને આ શાખાઓ ઉપર મજબૂત સીધા કાંટા હોય છે . સાતપુડા , વિંધ્યા વગેરે પર્વતમાળાઓમાં , દક્ષિણ ભારત , બિહાર , બંગાળ તથા શિવ મંદિરોના પ્રાંગણમાં તે ખાસ હોય છે તેનાં ફળ ( બીલા ) નો આકાર ગોળ કે સહેજ લંબગોળ ને કઠણ હોય છે . આપણે ત્યાં ઘણાં કાચાં બીલાનું અથાણું અને પાકાં બીલાંનો મુરબ્બો બનાવે છે.
બીલી સ્વાદમાં મધુર , તૂરી , કડવી અને તીખી , ગરમ , ભૂખ લગાડનાર, પાચનકર્તા , રુચિકર અને ગ્રાહી- ઝાડો બાંધનાર છે . બીલીનાં કુમળાં ફળ ( બીલાં ) સ્વાદમાં કડવાં અને તૂરાં , ગરમ , દીપન , પાચન , પચવામાં ભારે તથા આમવાત , સંગ્રહણી , કફાક્તિસાર વગેરેનો નાશ કરનાર છે . બીલીનાં મૂળ તથા છાલ જ્ઞાનતંતુશામક છે . જે હૃદયના ધબકારા વધી જવા , નિદ્રાનાશ અને ઉન્માદમાં લાભદાયક છે . બીલીનાં ફળના ગર્ભમાં માર્સેલોસિન ‘ નામનું તત્ત્વ હોય છે . આ ઉપરાંત તેમાં મ્યુસિલેજ , પેક્ટિન , સાકર , કડવું સત્ત્વ , ઉડનશીલ તેલ , ગુંદર , ટેનિન ૯ % તથા ભસ્મ ૨ % હોય છે .
વારંવાર પાતળા ઝાડા થતા હોય અને મટતા ન હોય તો બીલીના ગર્ભને સ્વચ્છ પથ્થર ઉપર ઘસીને , ચણાના દાણા જેટલો ઘસારો એક ગ્લાસ છાસમાં મેળવી , છાસ ધીમેધીમે પી જવી . આ રીતે ચારેક વખત ઘસારો બનાવી ઉપયોગ કરવો . ઝાડા બંધ થઇ જશે . ઝાડામાં જો લોહી પડતું હોય તો તેમાં પણ બીલીનો ગર્ભ લાભકારી બીલીનો ગર્ભ , શતાવરી અને કડાછાલ એ ત્રણે ઔષધ સરખા વજને લઈ તેનું ચૂર્ણ કરી લેવું . અડધી ચમચી જેટલું આ ચૂર્ણ થોડા ઇસબગુલ સાથે દિવસમાં 2 વખત પીવું . ઝાડામાં લોહી બંધ થઇ જશે . બે – ચાર દિવસ આહારમાં દૂધ અને દૂધની બનાવટોનો વધારે ઉપયોગ કરવો . લોહી પડતું હોય તેવા હરસ – મસામાં પણ બીલી ઉત્તમ પરિણામ આપે છે . આ માટે ઉપર મુજબ બીલીના ગર્ભનો ઘસારો છાસ સાથે આપવો .
બીલીનાં મૂળ જો મળે તો તેનો ઉકાળો કરી હરસની તકલીફ વાળાઍ થોડા દિવસ રોજ સવારે તેમાં બેસવું . આ રીતે શેક લેવાથી લોહી પડતું બંધ થઇ હરસ જરૂરથી મટે છે . એક વાત ઘણા ઓછા લોકો જાણતા હશે . બીલીનાં પાન એ ડાયાબિટીસ ખૂબ જ ફાયદો આપનાર ઔષધ છે . બીલીનાં પાનને સ્વચ્છ કરી એકાદ કલાક પાણીમાં પલાળી રાખવાં . પછી બહાર કાઢી , વાટી , વસ્ત્રમાં દબાવીને તેનો રસ કાઢી લેવો . સવાર- સાંજ એકથી બે ચમચી જેટલો આ રસ પીવાથી ડાયાબિટીસમાં ઉત્તમ લાભ થાય છે . જેમના શરીરમાંથી અત્યાધિક દુર્ગધ આવતી હોય તેમના માટે પણ બીલીપત્ર ઉપયોગી છે . બીલીપત્રને સારી રીતે ધોઇ સ્વચ્છ કરી તેનો રસ કાઢીને શરીરે લગાડવો . પંદર મિનિટ પછી સ્નાન કરી લેવું . આમ કરવાથી શરીરની દુર્ગધ નાશ પામે છે .
Thank you for reading this post, don't forget to subscribe!