ઓરિસ્સાના રાયગઢ જિલ્લામાં આવેલા 10000 થી પણ ઓછી વસ્તી વાળા ગામમાં એક વેપારી પરિવારમાં જન્મેલા રિતેશને ચીલાચાલુ ભણતરમાં બહુ રસ નહોતો. એન્જીનીયરીંગ કોલેજમાં અભ્યાસ કરતી મોટી બહેનની કોલેજમાં એકવાર એક કાર્યક્રમ હતો. ઘરે આવીને બહેને પોતાની કોલેજમાં આયોજીત થયેલા ‘આંતરપ્રિનિયોર ફેસ્ટ’ ની વાત કરી.
રિતેશે ‘આંતરપ્રિનિયોર’નું નામ જીંદગીમાં પેહલી વાર સાંભળ્યું. વધુ જાણવાની ઈચ્છા થઈ એટલે ગૂગલમાં સર્કચિંગ ચાલુ કર્યું.તેમાં તેને લોકોના પ્રશ્નોના ઉકેલ માટે કંઈક નવું કરે અને વેંચે એને ‘આંતરપ્રિનિયોર’ કહેવાય એટલી સમજ પડી. રિતેશને પહેલેથી કંઈક નવું અને જુદું કરવાના જ વિચારો મનમાં રહેતા અને એમાં ‘આંતરપ્રિનિયોર’ વિશે જાણવા મળ્યું.
કોઈનું સપનું હોય કે મારે ડોક્ટર બનવું છે, કોઈનું સપનું હોય કે મારે એન્જીનીયર બનવું છે. કોઈને વકીલ બનવું હોય તો કોઈને અધિકારી બનવું હોય. કોઈ સીએ બનવા માંગતા હોય તો કોઈને કઈ બીજું બનવું હોય. રિતેશે ત્યારે નક્કી કર્યું કે મારે ‘આંતરપ્રિનિયોર’ બનવું છે. અભ્યાસ તો આગળ ચાલ્યો પણ જીવ એમાં લાગે નહીં. કોલેજ સુધી પહોંચી તો ગયો પણ કોલેજ પૂરી થાય એ પહેલાં જ અભ્યાસ છોડી દીધો.
મનમાં રમતા વિચારને પુરા કરવા માટે મોટા ફંડની જરૂર હતી પરંતુ જેને કોલેજ પણ છોડી દીધી હોય એવાને નાણા આપે કોણ. રિતેશે ગૂગલ પર શોધ કરી અને ‘Thiel fellowship’ વિશે જાણવા મળ્યું. પીટર થિયોલ દ્વારા શરૂ કરવામાં આવેલી આ ફેલોશીપમાં કંઈક નવું અને જુદું કરવા માંગતા 23 વર્ષથી ઓછી ઉંમરના યુવાનોને 1 લાખ ડોલર એટલે કે 75 લાખ રૂપિયા જેવી રકમ આપવામા આવે. આ ફેલોશીપ માટે પાયાની શરત એ હતી કે તમે અભ્યાસ છોડી દીધેલો હોવો જોઈએ. રિતેશએ તો ભણવાનું છોડી દીધેલું એટલે આ ફેલોશીપ માટે એપ્લાય કર્યું.
રિતેશ અગ્રવાલ માત્ર ભારતનો નહીં એશિયાનો પહેલો એવો યુવાન છે જેને આ ફેલોશીપ મેળવી. મળેલી રકમમાંથી પોતાના પ્રોજેકટને આગળ વધાર્યો અને OYO Rooms નામની હોટેલ ચેનલ શરૂ કરી જે ઓનલાઈન સારી અને સસ્તી હોટેલ બુકિંગ કરી આપવામાં મદદ કરે છે . 2013માં શરૂ કરેલ આ કંપનીએ ટૂંકા સમયમાં ઘણા ઉતાર-ચઢાવ પણ જોયા પરંતુ હાર માન્યા વગર રિતેશ પોતાની મંજિલ તરફ આગળ વધતો ગયો.
આજે OYO Rooms વિશ્વના મોટા ભાગના દેશમાં ફેલાઈ ચુકી છે. આ કંપનીનો સ્થાપક રિતેશ અગ્રવાલ અત્યારે માત્ર 27 વર્ષની ઉંમરનો છે અને 7500 કરોડથી પણ વધુ સંપત્તિનો માલિક છે. ભારતના આ યુવાને આટલી મોટી સંપત્તિ પિતા તરફથી વારસામાં મળી નથી પણ પોતાની ક્ષમતાથી પ્રાપ્ત કરી છે અને એટલે જ તાજેતરમાં રિતેશ અગ્રવાલને ‘સેલ્ફ મેઇડ બિલિયોનર ઓફ ધ વલ્ડ’થી સન્માનિત કરવામાં આવ્યો છે.
મિત્રો, માત્ર ટકાવારી આવે અને અમુક કોર્સમાં એડમિશન મળે તો જ કારકિર્દી બને હવે એ જમાનો નથી રહ્યો. જે ગોખણીયા બનવાને બદલે જ્ઞાનવાન બને છે એ વગર ડિગ્રીએ પણ ડિગ્રીવાળાઓને પોતાને ત્યાં નોકરીએ રાખે છે.
Thank you for reading this post, don't forget to subscribe!