પાચનને લગતા રોગોનું તે ઉત્તમ ઔષધ છે . બિજોરું એ લીંબુની જ એક જાત હોવાથી , લોકો તેને આપણે ત્યાં ઘણા બિજોરા લીંબુ પણ કહે છે. પોતાના વિશિષ્ટ ગુણોથી પેટના વિવિધ રોગોને મટાડનાર આ આયુર્વેદીય ઔષધનો વાચકોને પરિચય કરાવું છું . બિજોરાના મધ્યમ કદનાં ઝાડીદાર વૃક્ષો હિમાલયમાં ચાર હજાર ફૂટની ઊંચાઈ સુધી વિશેષ પ્રમાણમાં થાય છે . તેનાં પાંદડાં , ફૂલો વગેરે સાદા લીંબુ જેવાં જ હોય છે . ફળ લંબગોળ , ઘણાં બીજવાળા અને વજનમાં બસોથી ત્રણસો ગ્રામનાં થાય છે . પાકું બિજોરું સ્વાદમાં મધુર અને ખાટું , ગરમ , પચવામાં હળવું , સ્વાદિષ્ટ , પાચક અને રુચિકર , જીભ ,કંઠ અને હૃદયને શુદ્ધ કરનાર તથા બળપ્રદ છે . તે અજીર્ણ , કબજિયાત , દમ , વાયુ , કફ , ઉધરસ , અરુચિ નાશ કરે છે .
બિજોરું ઉત્તમ પિત્તશામક ઔષધ છે . પિત્તના બધા રોગોમાં તે ઉત્તમ પરિણામ આપે છે . પિત્તની વૃદ્ધિ થઈ હોય અને તેને લીધે આખા શરીરમાં દાહ – બળતરા થતી હોય તો એક ગ્લાસ પાણીમાં થોડો પાકા બિજોરાનો રસ અને સાકર મેળવી , શરબત જેવું બનાવીને પી જવું . પિત્ત અને તેને લીધે થતી બળતરા શાંત થઈ જશે . પાકા બિજોરાના રસનું આ શરબત એસિડિટીમાં પણ ફાયદો આપે છે .
મૂત્રમાર્ગની પથરીમાં બીજોરુ ઉત્તમ પરિણામ આપે છે . બિજોરાનો રસ પથરીને તોડી – ઓગાળીને બહાર કાઢે છે . પથરી જો બહુ મોટી ન હોય તો બિજોરાના બે ચમચી જેટલા રસમાં ચપટી જવખાર કે સિંધવ મેળવીને દિવસમાં બેથી ત્રણ વખત પીવાથી થોડા દિવસમાં મૂત્રમાર્ગની પથરી નિકાલ પામે છે . એપિલેપ્સી ( વાઈ ) ની તકલીફમાં બિજોરાના રસનું સેવન કરવાથી ઘણો લાભ થાય છે . એક – એક ચમચી બિજોરા , નગોડ અને લીમડાનો રસ મિશ્ર કરીને થોડા દિવસ સવાર – સાંજ પીવાથી એપિલેપ્સી મટે છે . સાથે બિજોરા અને નગોડનાં પાનનો રસ સરખા ભાગે મિશ્ર કરીને તેનાં ત્રણ – ત્રણ ટીપાં નાકમાં બંને બાજુ પાડવાથી ઝડપથી પરિણામ મળે છે . ગર્ભ ન રહેતો હોય અથવા ગર્ભ રહ્યાં પછી એકાદ બે સપ્તાહમાં જ કસુવાવડ થઈ જતી હોય તેમના માટે બિજોરાનાં બીજ આશીર્વાદસમાન છે .
Thank you for reading this post, don't forget to subscribe!