ડાયાબિટીસને કાબૂમાં રાખવામાં ન આવે તો શું તકલીફ થઈ શકે છે વાંચો અને શેર કરો

ઘણા લોકો ડાયાબિટીસના દર્દની ગંભીરતા સમજી શકતા નથી અને પરિણામે ડાયાબિટીસનું નિદાન થયું હોવા છતાં આહાર, વિહાર અને દવાઓ તરફ પૂરતું ધ્યાન નથી આપતા. “ડૉકટરો તો ખોટા વહેમ ઉભા કરી દે છે”; “મને કોઇ તકલીફ નથી થતી તો શા માટે આ બધી પરેજી-કસરત-દવાની જફા કરવી.” એવા કોઇને કોઇ બહાના હેઠળ સારવાર ન કરવાની વૃત્તિ ઘણાં લોકોમાં જોવા મળે છે. આને પરિણામે ડાયાબિટીસનું દર્દ શરીરના અવયવોને ધીમે ધીમે કરીને ખૂબ મોટું નુકસાન પહોચાડી દે છે. ડાયાબિટીસ અને હાઇબ્લડપ્રેશરની બીમારી જ એવી છે કે દર્દીને કોઇપણ પ્રકારની જાણ થવા દીધા વગર જ શરીરને અંદરથી ખતમ કરી નાખે છે. એટલે જ આ બિમારીઓ શરીરનાં છુપાં કાતિલો કહેવાય છે. ડાયાબિટીસને જો સારવારથી નિયંત્રણ હેઠળ ન લાવવામાં આવે તો લાંબે ગાળે આંખ, હૃદય, કિડની, ચેતાતંતુઓ, રકતવાહિનીઓ અને ચામડી પર આડઅસરો થાય છે. કયારેક આંખની રોશની ખોઇ દેવાની કે કયારેક કિડની ફેઇલ થવાની ભારે મોટી કિંમત દર્દીએ પોતાની બેદરકારી માટે ચુકવવી પડે છે.

આંખને થતું નકસાન

ડાયાબિટીસના ઘણા દર્દીઓમાં આંખોને નુકસાન થાય છે. મોટા ભાગના કિસ્સાઓમાં આંખની અંદર આવેલ, બાહ્ય પદાર્થોનું પ્રતિબિંબ ઝીલનાર પડદો (નેત્રપટલ ઉર્ફ રેટીના) સૌથી વધુ નુકસાન પામે છે. આ નેત્રપટલને લોહી પહોંચાડતી રકતવાહિનીઓ ડાયાબિટીસને લીધે નબળી પડે છે, લીક થાય છે અને એનો અમુક ભાગ જાડો થઇ જાય છે. કયાંક રકતવાહિનીઓનો અમુક ભાગ ફુલીને ફુગા જેવો થઇ જાય છે. તો કયાંક નવી રકતવાહિનીઓ ફૂટી નીકળે છે. આ બધાનું આખરી પરિણામ એક જ આવે છે અંધાપો ! નેત્રપટલ એ કેમેરાનો રોલ કે ફિલ્મ જેવું કામ કરે છે. જેમ રોલ કે ફિલ્મનો ભાગ ચોખ્ખો ન હોય તો કદી સારો ફોટો ન પડી શકે, એમ જ નેત્રપટલ પર ઉપરોકત ખરાબી ઉભી થાય તો કદી નેત્રપટલ પર સ્પષ્ટ પ્રતિબિંબ ઉપસે નહીં. એટલે દર્દીની દૃષ્ટિમાં ઝાંખપ આવે, વસ્તુનો અમુક ભાગ ન દેખાય, કાળું-લાલ ધાબું દેખાય વગેરે તકલીફો શરૂ થાય અને પુરતું ધ્યાન ન આપવામાં આવે તો દષ્ટિ સાવ જતી રહે.
નેત્રપટલ ઉપરાંત પણ આાંખના અન્ય ભાગોને ડાયાબિટીસને કારણે નુકસાન થઇ શકે છે. આંખના લેન્સ (નેત્રમણિ) પર મોતિયો આવવાની શરૂઆત ઘણી વહેલી થઇ શકે અને કયારેક તો બાળપણમાં કે યુવાનીમાં જ ડાયાબિટીસને લીધે મોતિયો આવી જાય એવું બને!! કયારેક ડાયાબિટીસને લીધે ઝામર થાય અને થયેલું ઝામર વધી જાય એવું બને છે. આંખની બહાર સફેદ ભાગ પર અને અંદરના પારદર્શક ભાગ (વીટ્રીયસ) માં પણ રકતસ્રાવ થઇ શકે જેને કારણે જોવામાં તકલીફ ઉભી થાય. આમ, અનેકવિધ રીતે ડાયાબિટીસના દર્દીને આંખની તકલીફો થઇ શકે જે કયારેક સુધારી ન શકાય એવું ભારે નુકસાન પણ કરી શકે.

ડાયાબિટીસને કારણે નુકસાન પામેલ ભાગને રીપેર કરવાનું અત્યંત મુશ્કેલ છે. તાજેતરમાં લેસર ટેકનીકની મદદથી નેત્રપટલના નુકસાન પામેલા ભાગોને ‘બાળી’ નાખીને (ફોટોકોએગ્યુલેશન કરીને) એ ખરાબીને આગળ વધતી અટકાવવામાં સફળતા મળી છે. પરંતુ જે ભાગ નુકસાન પામી ચુકયો છે એ સારો થવો મુશ્કેલ છે. લેસરનું ઓપરેશન માત્ર નવી તકલીફ થતી અટકાવવા માટે જ કરવામાં આવે છે એનાથી ચાલુ તકલીફમાં સુધારો થતો નથી. કયારેક, અમુક વીટ્રીયસ હેમરેજ (રકતસ્રાવ)ના દર્દીમાં ઓપરેશન કરીને આખો વીટ્રીયસનો ભાગ કાઢી નાખવો પડે છે અને એ પછી દૃષ્ટિમાં થોડોક સુધારો જોવા મળે છે. આાંખોના આટલાં બધાં કોમ્પિલકેશનને ધ્યાનમાં રાખતાં એવું સુચવી શકાય કે ડાયાબિટીસના દરેક દર્દીએ નિયમિતપણે આંખોની તપાસ નિષ્ણાત ડૉકટરો પાસે કરાવતા રહેવું જોઇએ. જેમને ચાળીસ વર્ષ પછી ડાયાબિટીસની બીમારી લાગુ પડી હોય એમણે ઓછામાં ઓછી દર બે વર્ષ એક વખત આંખોની તપાસ કરાવવી જોઇએ, જેથી કોમ્પિલકેશનની શરૂઆતમાં એને પારખી શકાય અને વધુ નુકસાન થતું અટકાવી શકાય.

કિડનીને થતં નુકસાન

ડાયાબિટીસને કારણે કિડની તથા ઉત્સર્ગતંત્રને સામાન્ય ચેપથી માંડીને કિડની ફેઇલ થવા સુધીનું ઘણી જાતનું નુકસાન થઇ શકે છે. જો ડાયાબિટીસના દર્દીના લોહીમાં ગ્લુકોઝનું નિયંત્રણ સારવારની અનિયમિતતાને લીધે બરાબર ન થતું હોય તો આ ગ્લુકોઝ દર્દીના પેશાબ વાટે બહાર નીકળે છે. દર્દીના પેશાબમાં કીડની ફેઇલ થવી / ગ્લુકોઝની હાજરીને કારણે પેશાબમાં ચેપ લાગવાની શકયતાઓ વધી જાય છે અને વારંવાર ચેપ લાગવાને લીધે કિડની (મુત્રપિંડ), મુત્રવાહિની તથા મુત્રાશયને નુકસાન પહોંચ્યા કરે છે. આ ઉપરાંત, કિડનીની રકતવાહિનીઓને નુકસાન થવાથી તથા કિડનીની પેશીઓ પર અમુક પદાર્થો જામી જવાથી કિડનીની કામગીરી ધીમે ધીમે ખોરવાઇ જાય છે. શરૂઆતમાં પેશાબ વાટે પેશાબમાં પ્રોટીન /ગ્લુકોઝ ઉપરાંત પ્રોટીન નીકળવા લાગે છે. સામાન્ય રીતે પેશાબમાં પ્રોટીન હોતું નથી પણ કિડનીને નુકસાન થવાથી શરીરનું પ્રોટીન કિડની વાટે નીકળવા લાગે છે. આ પછી જેમ જેમ નુકસાન વધતું જાય એમ એમ કિડનીની અન્ય કામગીરીઓ – ખાસ કરીને લોહી શુધ્ધ કરવાની કામગીરી – ખોરવાય છે અને પરિણામે લોહીમાં આ અશુધ્ધિઓનો ભરાવો થવા લાગે છે. છેવટે એક તબકકે બંને કિડની કામ કરતી બંધ થઇ જાય છે અને દર્દીને આખા શરીરે સોજા આવી જાય છે. જો આવી સ્થિતિમાં દર્દીની સારવાર તાત્કાલિક ન કરવામાં આવે તો દર્દી બચી શકતો નથી. કિડનીને કાયમી નુકસાન થઇ ગયા પછી ગમે એટલી સારવારથી પણ ફરી કિડનીને કામ કરતી કરવાનું લગભગ અશકય છે એટલે એવા દર્દીને કાં તો વારંવાર ડાયાલીસીસ કર્યા કરવું પડે અથવા કિડનીનું ટ્રાન્સપ્લાન્ટેશન કરાવવું પડે. જે બંને ખૂબ ખર્ચાળ છે. એટલે કિડનીને નુકસાન ન થાય એ માટે ડાયાબિટીસનું નિદાન થાય ત્યારથી જ તકેદારી રાખવી જોઇએ અને વારંવાર પેશાબની તપાસ કરાવતા રહેવું જોઇએ જેથી ડાયાબિટીસ કાબૂમાં રહે. પેશાબમાં પ્રોટીન નીકળતું હોય તો એ કિડનીની ખરાબીની શરૂઆત સૂચવે છે એટલે એ સમયે ચેતી જઇ કિડનીને વધુ નુકસાન ન થાય એ માટેની દવાઓ (દા.ત. એનાલેપ્રીલ વગેરે) ડૉકટરની સલાહથી લેવી જોઇએ અને ડાયાબિટીસ સંપૂર્ણ કાબૂ હેઠળ રહે એ માટે પ્રયત્નો કરવા જોઇએ.

ચેતાતંતુઓને થતું નુકસાન

શરીરના આંતરિક સંદેશાવ્યવહારનું મુખ્ય કામ સંભાળતા ચેતાતંતુઓ ડાયાબિટીસને કારણે નુકસાન પામે છે. ડાયાબિટીસના દર્દીમાં ચેતાતંતુને આ રીતે નુકસાન થવાનું ચોકકસ કારણ હજી સુધી વિવાદાસ્પદ છે. છેલ્લામાં છેલ્લા સિદ્ધાંત પ્રમાણે ડાયાબિટીસના દર્દીના ચેતાતંતુમાં વધારાની સાકર પર રાસાયણિક પ્રક્રિયાઓ થવાથી ચેતાતંતુ માટે ઝેરી રસાયણ – સોબીટોલ પેદા થાય છે – જેની ઝેરી અસરને લીધે ચેતાતંતુ નુકસાન પામે છે. આલ્ડોલ રીડકટેસ નામનો ઉત્સચક આ રાસાયણિક પ્રક્રિયા માટે જવાબદાર હોય છે. અત્યારે આ ઉત્સચકને કામ કરતો અટકાવી દે એવી દવાઓ પાછળ સંશોધન થઇ રહ્યું છે, જેથી ચેતાતંતુને નુકસાન થતું અટકાવી શકાય. જયારે ચેતાતંતુને નુકસાન પહોંચે ત્યારે જે પ્રકારના ચેતાતંતુ નુકસાન પામ્યા હોય એ પ્રકાર મુજબ, દર્દીમાં એનાં જુદાં જુદાં લક્ષણો જોવા મળે છે. શરીરના હાથ-પગમાંથી સંવેદના લઇ જનાર ચેતાઓને નુકસાન થાય ત્યારે દર્દીને જે તે ભાગમાં ઝણઝણાટી થવી, ખાલી ચડી જવી, હાથ-પગ જુઠા પડી જવા, રૂ ની ગાદી ઉપર ચાલતા હોય એવો આભાસ થવો અને દુ:ખાવો થવો વગેરે લક્ષણો જોવા મળે છે. હાથ કરતાં પગની ચેતાને અસર થવાની શકયતા વધારે હોય છે. જેને કારણે પગને થતી નાની-મોટી ઇજાની દર્દીને જાણ થતી નથી અને છેવટે પગનું નુકસાન ખૂબ વધી જાય છે. જો મગજમાંથી નીકળીને સ્નાયુઓને વિવિધ કામગીરીના આદેશ આપનારી ચેતાઓને નુકસાન થાય તો શરીરના અમુક ભાગનું હલન ચલન બંધ થઇ જાય અથવા ખૂબ નબળું પડી જાય છે. આંખના ડોળાને આજુબાજુ ફેરવવાનો આદેશ આપનાર ચેતાતંતુને નુકસાન થવું એ ખૂબ સામાન્ય છે અને આ કારણે અમુક બાજુ જોવાથી દર્દીને એકને બદલે બે વસ્તુ દેખાય એવું બને છે. હાથપગના સ્નાયુઓ પાતળા પડી જાય અને નીચે બેસેલ દર્દીને ઉભા થવામાં કમજોરી લાગે એવું પણ આ જ કારણોસર બને છે. આ ઉપરાંત શરીરના અવયવો જઠર, આંતરડાં, હૃદય વગેરેને આદેશો આપનાર અને સંવેદનો લઇ જનાર ચેતાતંતુઓને નુકસાન થાય તો દર્દીને પેટમાં ભરાવો થવો, ઉલ્ટી થવી, કબજિયાત રહેવી, સુતા કે બેઠા હોય એમાંથી ઉભા થતાં ચકકર આવવા, નપુંસકતા વગેરે લક્ષણો જોવા મળે છે. ચેતાતંતુઓને એક વાર નુકસાન થઇ જાય પછી એને સાજા કરવાનું લગભગ અશકય હોય છે. અને પછી આપવામાં આવતી દવા માત્ર એના લક્ષણોને દબાવી દેવાનું કામ જ કરતી હોય છે. ચેતાતંતુઓને નુકસાન જ ન થાય એ માટે ડાયાબિટીસના દર્દીએ ડાયાબિટીસને સંપૂર્ણ નિયંત્રણ હેઠળ (કસરત-ખોરાક-દવા-ઇન્સલ્યુલિન વગેરેની મદદથી) રાખવો જરૂરી છે. ભવિષ્યમાં આલ્ડોલ રીડકટેસ ઉત્સચકને કામ કરતો અટકાવી શકે એવી દવાઓ શોધાય તો એ ઉપયોગમાં આવી શકશે.

હૃદય અને રકતવાહીનીઓને થતું નુકસાન

ડાયાબિટીસના દર્દીઓમાંથી જે દર્દીને આ દર્દ ત્રીસ-ચાળીસ વર્ષની ઉમર પછી લાગુ પડયું હોય એ દર્દીઓમાં મૃત્યુનું મુખ્ય કારણ હાર્ટ એટેક હોય છે. વળી, ઘણા ડાયાબિટીસના દર્દીઓને છાતીમાં ખાસ દુ:ખાવો થયા વગર જ હાર્ટએટેક આવે છે. ‘સાઇલેન્ટ એટેક”

તરીકે ઓળખાતો આ હાર્ટ એટેક દર્દીને પોતાની બીમારીની ગંભીરતાની જાણ જ નથી થવા દેતો અને કયારેક અચાનક મૃત્યુ નોતરે છે. આ સિવાય પણ, ડાયાબિટીસને કારણે આખા શરીરની રકતવાહિનીઓ બરડ અને સાંકડી થઇ જવાની પ્રક્રિયા ઝડપી બને છે. આને કારણે બ્લડપ્રેશર, પેરાલિસીસ વગેરે બીમારીઓ વધી જાય છે. કયારેક હાથ કે પગના અમુક ભાગમાં લોહીનું ફરવાનું ઓછું થઈ જાય તો થોડું ચાલવાથી કે કામ કરવાથી હાથ-પગમાં સખત દુ:ખાવો થઇ શકે છે. લોહી ઓછું પહોંચવાને કારણે, ખાસ કરીને પગમાં, વાગેલા ઘા રૂઝાવાનું અને ચેપથી બચવાનું અઘરું થઇ જાય છે.

ડાયાબિટીસના દર્દીમાં લાગતા ચેપ

ડાયાબિટીસના દર્દીમાં અન્ય લોકોની સરખામણીએ ચેપ લાગવાનું પ્રમાણ વધારે હોય છે. પેશાબનો ચેપ અને ચામડીનો ચેપ આ બે સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતા ચેપના પ્રકારો છે. ચામડી પર ફૂગ અથવા બેકટેરિયાનો ચેપ લાગી શકે છે. ભેજવાળા વાતાવરણમાં ચામડી પર ફૂગના ચેપનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે. બેકટેરિયાના ચેપને કારણે ચામડી પર ગૂમડાં થાય છે અને કંઇક વાગ્યું હોય તો ત્યાં પણ બેકટેરિયાનો ચેપ થઇ જાય છે. ગરદન ઉપર મોટું ગૂમડું (કાર્બન્કલ) થવાનું અને એને કારણે કયારેક આખા શરીરમાં ચેપ ફેલાઇ જવાનું ડાયાબિટીસના ઘણા દર્દીઓમાં બનતું હોય છે. કાનની અંદર ભારે પાક થવાનું અને ચામડીના સૌથી ઉપરના, મોટા વિસ્તારમાં બેકટેરિયાનો ચેપ થઇ ચામડી ઉખડી જવા સુધીની તકલીફો પણ ડાયાબિટીસના દર્દીને ઘણી વાર થાય છે. ડાયાબિટીસના દર્દીને વારંવાર શા માટે બેકટેરિયાનો ચેપ લાગે છે એ એક વિવાદનો મુદ્દો છે. જુદા જુદા વૈજ્ઞાનિકો આ માટે જુદી જુદી થીયરીઓ રજૂ કરે છે. શરૂઆતમાં એવું મનાતું હતું કે લોહીમાં સાકરનું પ્રમાણ વધારે હોવાથી બેકટેરિયાનો ઉછેર આ સાકરમાં સારી રીતે થઇ શકે છે. પરંતુ હવેની થીયરીઓ પ્રમાણે લોહીમાં સાકર વધવાથી લોહીમાં રહેલ શ્વેતકણોની બેકટેરિયાને ખતમ કરી નાખવાની શકિત ઓછી થઇ જાય છે. જેને કારણે બેકટેરિયાઓ બેરોકટોક ચેપ લગાવી દે છે. આ ઉપરાંત ડાયાબિટીસની રકતવાહિનીઓ પર થતી અસરને કારણે અમુક ભાગોમાં લોહી ફરવાનું ઓછું થઇ જાય છે અને આવા ભાગ (દા.ત. પગ) માં ચેપ સહેલાઇથી લાગી શકે છે.
અન્યઃ

ડાયાબિટીસના દર્દીમાં ચેપ ન લાગ્યો હોય તો પણ ચામડીના કેટલાક રોગો થઇ શકે છે. ઘણા દર્દીમાં ચામડી સૂકી થઇ જાય છે અને નાનાં ચકામાં પગના નળાના ભાગ પર પડી જાય છે. અમુક દર્દીની ચામડી નીચેની ચરબી અચાનક ઓછી થવા લાગે છે અથવા નાશ પામે છે. જેને કારણે ચામડી ખરબચડી અને વિચિત્ર દેખાય છે. ઘણીવાર જે જગ્યાએ ઇન્સલ્યુલિન ઇજેકશન લેવામાં આવતું હોય એ જ જગ્યાએ આવું થાય છે. અમુક દર્દીને પગમાં અથવા જયાં દબાણ આવતું હોય એવા ભાગો પર ગોળ ચાંદુ પડી જાય છે. આ ઉપરાંત પણ ચામડી ઉપર કાળી નાની નાની અળાઇઓ જેવો ભાગ ઉપસી આવે, પીળા રંગની ગાંઠો આંખની પાંપણ પર દેખાય, ફોડલીઓ થઇ જાય વગેરે અનેક પ્રકારની ચામડીની તકલીફો લાંબા સમયના ડાયાબિટીસથી થઇ શકે છે. મોટા ભાગની આ બધી ચામડીની તકલીફોની કોઇ ખાસ દવા નથી હોતી. ડાયાબિટીસને કાબૂમાં રાખવો એ જ ઉત્તમ ઇલાજ ડાયાબિટીસના દરેક લાંબા ગાળાના કોમ્પિલકેશન માટે છે.
ડાયાબિટીસની બીમારી શરૂઆતના તબક્કામાં કોઈ વિશેષ તકલીફ નથી આપતી . પરંતુ જો શરૂઆતથી જ ડાયાબિટીસને નિયંત્રણ હેઠળ ન લાવવામાં આવે તો લાંબે ગાળે આંખ, હૃદય, કીડની, ચેતાતંતુઓ, રકતવાહિનીઓ અને ચામડીને ભારે નુકસાન થાય છે.

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment